
અમરેલી, 23 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદેદારોની ચૂંટણી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ સમર્થિત ઉમેદવારોની વરણી થતા જિલ્લા પંચાયતમાં નવા નેતૃત્વની રચના થઈ છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ પદે દક્ષાબેન ચોડવડિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત વલકુબાપુના પુત્ર મહાવીરબાપુ ભગતની વરણી થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારી ચેરમેન તરીકે અરજણભાઈ વાઘની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત શાસકપક્ષના નેતા તરીકે ભાનુબેન શિયાળ અને દંડક પદે સોનલબેન ગાગડિયાની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં મહિલા શક્તિકરણની ખાસ ઝલક જોવા મળી હતી. પાંચમાંથી ત્રણ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલાઓ બિરાજમાન થતાં જિલ્લા પંચાયતમાં મહિલાઓની સશક્ત ભાગીદારી સામે આવી છે.
આ પ્રસંગે રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કોશિક વેકારીયા સહિત ભાજપના આગેવાનોએ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવી અને વિકાસલક્ષી કામગીરી માટે આશા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai