
દમણ, 23 મે (હિ.સ.) સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ (DNH&DD) ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આગામી VVIP પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પ્રવાસ પૂર્વે વિવિધ આયોજન અને વ્યવસ્થાઓની સમીક્ષા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ સંઘ પ્રદેશના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમજ પ્રદેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનો આ સંઘ પ્રદેશનો આઠમો પ્રવાસ રહેશે.બેઠકમાં પ્રધાનમંત્રીના સ્વાગત, સુરક્ષા વ્યવસ્થા, જાહેરસભા આયોજન તેમજ વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓને પણ જોડવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજકીય આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વેપારીઓ, વિવિધ ગેરસરકારી સંસ્થાઓ (NGOs) તથા સમાજના અગ્રણીઓએ પ્રધાનમંત્રીના સ્વાગત અને સ્થાનિક સંસ્કૃતિના પ્રદર્શન અંગે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. પ્રશાસને સમગ્ર કાર્યક્રમને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે સર્વાંગી આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha