
ગીર સોમનાથ, 23 મે (હિ.સ.) : સુત્રાપાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 18માંથી 14 બેઠકો પર ભવ્ય જીત મેળવી તાલુકામાં પોતાનો દબદબો સાબિત કર્યો હતો. ચૂંટણી બાદ આજે સુત્રાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.
વરણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદે જાદવ કંચનબેન ભગવાનભાઈની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે સોલંકી જિજ્ઞાસાબેન દક્ષેશભાઈની વરણી કરવામાં આવી હતી. જ્યારે તાલુકા પંચાયતના ચેરમેન તરીકે સોલંકી જશુભાઈ કાનાભાઈની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે મેર મધુબેન બચુભાઈને જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે દંડક તરીકે વાઢેર ઉજીબેનની નિમણૂંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાલાળા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ રાઠોડ મસરીભાઈ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી અનિલભાઈ જેઠવા સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નવા ચૂંટાયેલા તમામ પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે સૌએ સંયુક્ત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સુત્રાપાડા તાલુકા પંચાયતમાં ભાજપના નવા નેતૃત્વની રચનાને પગલે તાલુકાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે તેવી આશા સ્થાનિકોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ