
બોટાદ, 23 મે (હિ.સ.) : બરવાળા તાલુકાના ચોકડી ગામ ખાતે રાજ્ય સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમાકુજન્ય પદાર્થોના બિનઅધિકૃત વેચાણ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “કોટપા-૨૦૦૩” કાયદાના સઘન અમલીકરણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.એ. ધોળકિયા તથા એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ટાસ્ક ફોર્સને સક્રિય કરવામાં આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. શેખર પ્રસાદના માર્ગદર્શન હેઠળ ચોકડી ગામમાં ખાસ કરીને શાળાની આસપાસના વિસ્તારમાં આ ચેકિંગ અને રેડની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ટાસ્ક ફોર્સ દ્વારા પાન-ગલ્લા, પાર્લર અને અન્ય વેપારીઓ સહિત કુલ પાંચ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં તમાકુજન્ય પદાર્થોના વેચાણ સમયે જરૂરી આરોગ્ય ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. “તમાકુથી કેન્સર થાય છે”, “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુનું વેચાણ દંડનીય ગુનો છે” તથા “સિગારેટ અને બીડીના છૂટક વેચાણ પર પ્રતિબંધ છે” જેવી સૂચનાઓનો અભાવ જોવા મળ્યો હતો.
તે ઉપરાંત શાળાની આસપાસ તમાકુ વેચાણ, પાકા બિલ વગરની વિદેશી સિગારેટનું વેચાણ તેમજ ઇ-સિગારેટ અને નિકોટીન સંબંધિત વસ્તુઓના વેચાણ જેવી અનિયમિતતાઓ પણ ધ્યાનમાં આવી હતી. નિયમોના ભંગ બદલ પાંચ દુકાનદારો પાસેથી કુલ રૂ.૨૫૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને તમાકુમુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા અને “કોટપા-૨૦૦૩”ના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. સાથે જ વેપારીઓને પણ શાળાઓની આસપાસ તમાકુજન્ય પદાર્થોના વેચાણથી દૂર રહેવા તથા કાયદાકીય નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA