
વાપી, 23 મે (હિ.સ.) : વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બાબતની અદાવતમાં થયેલી મારામારીના મામલે ફરીયાદીએ ગંભીર આક્ષેપો કર્યા છે. ચંડોર વિસ્તારમાં રહેતા અને ક્રિએટિવ કંપનીમાં “પ્રેમ એન્ટરપ્રાઈઝ” નામે કોન્ટ્રાક્ટ ચલાવતા જીતેન્દ્ર પ્રેમચંદ યાદવે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરીયાદ મુજબ ચીકુવાડી, ચલા વિસ્તારમાં રહેતા રામવિલાશ તિવારી, રોહિત તિવારી અને કૈલાશ તિવારી સાથે કોન્ટ્રાક્ટ બાબતે અદાવત ચાલી રહી હતી. આક્ષેપ છે કે તા. 22 મેના રોજ ત્રણેય આરોપીઓ નશાની હાલતમાં આવી ગાળો આપી હુમલો કર્યો હતો.
જીતેન્દ્ર યાદવનું કહેવું છે કે આરોપીઓએ તેમની સાથે એટલી બેરહેમીથી મારામારી કરી હતી કે તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ફરીયાદી પક્ષનો દાવો છે કે ઘટનાના ફોટોગ્રાફ્સમાં પણ કાનમાંથી લોહી નીકળતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
ફરીયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે હુમલા બાદ આરોપીઓએ “હવે પછી કંપનીમાં કોન્ટ્રાક્ટ ચલાવશો કે અહીં દેખાશો તો હાથપગ ભાંગી નાખીશું” તેવી ધમકી આપી હતી.
જોકે અરજી આપવામાં આવી હોવા છતાં ફરીયાદીનું કહેવું છે કે હજુ સુધી પોલીસ સ્ટેશન તરફથી તેમને કોઈ સત્તાવાર સંપર્ક કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી પર લોકોની નજર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha