માતા અને બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન કટિબદ્ધ : ડૉ. રાકેશ જોશી
- સિવિલ હોસ્પિટલમાં ''વિશ્વ પ્રિક્લેમ્પસિયા દિવસ''ની અનોખી ઉજવણી: સગર્ભા મહિલાને હાઈ બ્લડપ્રેશરના જોખમો સામે જાગૃત કરાયા ગાંધીનગર, 23 મે (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના ''સુરક્ષિત માતૃત્વ''ના
અમદાવાદ સિવિલ હોસ્પિટલ


વિશ્વ પ્રિક્લેમ્પસિયા દિવસ


- સિવિલ હોસ્પિટલમાં 'વિશ્વ પ્રિક્લેમ્પસિયા દિવસ'ની અનોખી ઉજવણી: સગર્ભા મહિલાને હાઈ બ્લડપ્રેશરના જોખમો સામે જાગૃત કરાયા

ગાંધીનગર, 23 મે (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના 'સુરક્ષિત માતૃત્વ'ના સંકલ્પને વેગ આપવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 22 મેના રોજ 'વિશ્વ પ્રિક્લેમ્પસિયા દિવસ' નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં થતા હાયપરટેન્શન -હાઈ બ્લડપ્રેશર અને તેના જોખમો વિશે સગર્ભા મહિલાઓને જાગૃત કરાયા હતાં.

સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, માતા અને બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન સંપૂર્ણપણે કટિબદ્ધ છે. પ્રિક્લેમ્પસિયા એ ગર્ભાવસ્થા દરમિયાન થતી એક ગંભીર સમસ્યા છે, જે ગર્ભાવસ્થા દરમિયાન 20 અઠવાડિયા પછી વિકસે છે. તેમાં બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય છે અને પેશાબમાં પ્રોટીન જવું, લીવર કે કિડનીને નુકસાન થવું જેવા લક્ષણો જોવા મળે છે. પ્રિક્લેમ્પસિયા એ વિશ્વભરમાં માતા અને ગર્ભમાં રહેલા બાળકના મૃત્યુનું મુખ્ય કારણ છે. આધુનિક પ્રિક્લેમ્પસિયા સંશોધનના પ્રણેતા ડૉ. લિયોન સી. ચેસ્લીના જન્મદિવસની યાદમાં દર વર્ષે 22 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલના સ્ત્રી અને પ્રસૂતિ રોગ (GYNEC) વિભાગમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગર્ભવતી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ડૉ. રાકેશ જોશીએ આશા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાતા આવા જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તેમજ બાળ મૃત્યુદર ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થશે.

આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન હાયપરટેન્શનના લક્ષણો જેવાં કે, સતત અથવા ગંભીર માથાનો દુખાવો થવો, દ્રષ્ટિમાં ફેરફાર થવો કે ઝાંખું દેખાવું, ચહેરા અને હાથ પર અચાનક સોજો આવવો અથવા પેટના ઉપરના ભાગમાં દુખાવો થવો; આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો સગર્ભા માતાઓએ તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, તેમ ડૉ. રાકેશ જોશીએ વધુમાં ઉમેર્યું હતું.

રેડિયોલોજી વિભાગના ડૉ. નિશા ભોજવાનીએ જણાવ્યું કે, ગર્ભવતી માતાઓ આ ગંભીર બીમારીને સરળતાથી સમજી શકે તે માટે ખાસ ચિત્રો અને ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 20 અઠવાડિયા એટલે કે ૫ મહિના પછી આ સમસ્યા જોવા મળે છે. તેના બે મુખ્ય લક્ષણો છે. હાઈ બ્લડપ્રેશર અને યુરિનમાં પ્રોટીનનું વધુ પ્રમાણ એટલે કે હાઈ પ્રોટીન્યુરિયા.

આવા સમયે જો શરીરમાં અચાનક સોજા આવે, સતત માથાનો દુખાવો થાય કે આંખે ઝાંખપ આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ તેમ ડૉ. નિશા ભોજવાનીએ વધુમાં ઉમેર્યું હતું.

કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સગર્ભા મહિલાઓએ પોતાની તબિયત અને મૂંઝવણો અંગે નિષ્ણાત ડૉક્ટરો સાથે સીધી વાતચીત કરી હતી અને પોતાના પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલની આ અનોખી પહેલને સગર્ભા મહિલાઓ અને તેમના પરિવારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande