
અમરેલી, 23 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા એલસીબી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરાર ચાલી રહેલા આરોપી ઈબ્રાહિમ નૂર મહંમદને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ છુપાતો હતો. જેના પગલે પોલીસે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
અમરેલી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ચોક્કસ સ્થળે દરોડો પાડી ઈબ્રાહિમ નૂર મહંમદને ઝડપી લીધો હતો.
આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે. એલસીબીની આ કામગીરીને કારણે ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા સતત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai