
પોરબંદર, 23 મે (હિ.સ.) : પોરબંદરના જુના ફુવારા સર્કલ ખાતે ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ઈમાનદારી અને સતર્કતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આજરોજ ટ્રાફિક બ્રિગેડના ચંદ્રેશભાઈ અટારા, ધ્રુવરાજસિંહ જાડેજા, પવનગર ગોસ્વામી તથા સંજયભાઈ ચાવડા પોતાની ફરજ પર હાજર હતા ત્યારે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચંદ્રેશભાઈ અટારાને એક લેડીઝ પર્સ મળી આવ્યું હતું. પર્સની તપાસ કરતાં તેમાં રોકડ રકમ ઉપરાંત અગત્યના ઓરિજિનલ દસ્તાવેજો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે ટ્રાફિક ઓફિસે પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોંડલીયાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દસ્તાવેજોના આધારે પર્સના મૂળ માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પર્સ જયશ્રીબેન ગોહિલ, રહે. ભોજેશ્વર પ્લોટ, પોરબંદરનું હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને જુના ફુવારા સર્કલ ખાતે બોલાવી રોકડ રકમ તથા ઓરિજિનલ દસ્તાવેજો સાથેનું પર્સ પરત સોંપવામાં આવ્યું હતું. ખોવાયેલું પર્સ પરત મળતાં જયશ્રીબેને ટ્રાફિક બ્રિગેડના ચંદ્રેશભાઈ અટારા તેમજ ટ્રાફિક પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya