
અમરેલી, 24 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ ખાતે ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા “રાસાયણિક ખાતરનો સમતોલ અને સંકલિત ઉપયોગ” વિષયક વિશેષ જાગૃતતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.
અભિયાન દરમિયાન ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ખાતરનો યોગ્ય પ્રમાણમાં અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવો કેટલો જરૂરી છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અતિશય રાસાયણિક ખાતરનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે તેમજ લાંબા ગાળે ઉત્પાદન પર પણ નકારાત્મક અસર કરે છે. તેથી સજીવ ખાતર, લીલા ખાતર અને રાસાયણિક ખાતરનો સંકલિત ઉપયોગ અપનાવવો સમયની માંગ બની ગયો છે.
કાર્યક્રમમાં જમીન પરીક્ષણના મહત્વ, પાક મુજબ ખાતરની જરૂરિયાત, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ તથા પાણી બચત સાથે ખેતી કરવાની પદ્ધતિ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
અંતમાં ખેડૂતોને પર્યાવરણમૈત્રી અને ખર્ચ બચત આધારિત ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારના જાગૃતતા અભિયાનોથી ખેડૂતોમાં વૈજ્ઞાનિક અભિગમ વધે અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai