
ભાવનગર, 24 મે (હિ.સ.) : ભાવનગર શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ (I.M.F.L.)ના વેચાણ સામે કાર્યવાહી કરતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે આનંદનગર રોડ વિસ્તારમાં એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે.
મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા આનંદનગર રોડ પર ડબલ થાંભલાની સામે આવેલી ગલીમાં રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન જતીન ઉર્ફે પિન્ટુ અશોકભાઈ રાઠોડ (ઉંમર 30), રહે. ભીમનગર, આનંદનગર રોડ, ભાવનગર પોતાના મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની I.M.F.L. પેટ બોટલો સાથે ઝડપાઈ આવ્યો હતો.
પોલીસે આરોપીના કબ્જામાંથી મેજીક મોમેન્ટ રીમીક્ષ સ્મુથ ઓરેન્જ ફ્લેવર વોડકાની ૯૬ બોટલો કિંમત રૂ.14,400, અરાબેલ્લા ગ્રીન એપલ વોડકાની ૪૮ બોટલો કિંમત રૂ.3,216 તેમજ નેશનલ ઓરિજનલ ગ્રીન એપલ વોડકાની 192 બોટલો કિંમત રૂ.7,680 મળી કુલ 336 પેટ બોટલો કિંમત રૂ.25,296નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી બાદ આરોપી વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ અલગ-અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર એલ.સી.બી. દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી જવા પામી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA