
ભાવનગર, 24 મે (હિ.સ.) : ભાવનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતાં લોકો અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શનિવાર અને રવિવાર દરમિયાન ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ આગાહી વચ્ચે રવિવારે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા વાતાવરણમાં બદલાવ નોંધાયો હતો.
સવારના સમયથી જ શહેરમાં સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો હતો, જ્યારે દિવસ દરમિયાન ગરમી અને ભેજનું પ્રમાણ વધી જતાં લોકો અકળાઈ ઉઠ્યા હતા. તાપમાનમાં સતત ચડાવ-ઉતાર અને હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં બફારાનો અનુભવ સામાન્ય દિવસોની તુલનાએ વધુ રહ્યો હતો. ખાસ કરીને બજારો, જાહેર સ્થળો અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં લોકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.
વાદળછાયા વાતાવરણના કારણે ઘણા વિસ્તારોમાં ઠંડકની આશા જાગી હતી, પરંતુ પવનની ગતિ ધીમી રહેતાં બફારામાં વધારો થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતો અને મજૂરોને ભારે ઉકળાટ વચ્ચે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ, માવઠાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે હાલના હવામાન બદલાવની અસર ખેતી પર પડી શકે છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા છે. જો વરસાદ વરસશે તો લોકોને બફારાથી થોડી રાહત મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA