અમદાવાદ ખાતે 'કોમનવેલ્થ ગેમ્સ ડે' અને 'ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ'ની 75મી ઐતિહાસિક એડિશનની ભવ્ય ઉજવણી
- ભવ્ય સાયકલિંગ ઇવેન્ટમાં હજારો યુવાનોને અપાયો ફિટનેસ અને સાયકલિંગનો સંદેશ - ''વિકસિત ભારત''ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા અમદાવાદ, 24 મે (હિ.સ.) અમદાવાદના સા
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


- ભવ્ય સાયકલિંગ ઇવેન્ટમાં હજારો યુવાનોને અપાયો ફિટનેસ અને સાયકલિંગનો સંદેશ

- 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયા

અમદાવાદ, 24 મે (હિ.સ.) અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 'કોમનવેલ્થ ગેમ્સ ડે' અને 'ફિટ ઇન્ડિયા સંડેઝ ઓન સાયકલ'ની 75મી એડિશન નિમિત્તે એક વિશાળ અને ભવ્ય સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6:00 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના હજારો ઉત્સાહી યુવા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આજે 'સંડે ઓન સાયકલ'ની આ 75મી એડિશન છે અને સાથે જ 'કોમનવેલ્થ ડે' પણ છે. આપણા સૌ માટે એ ગર્વની વાત છે કે વર્ષ 2030માં ગુજરાત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના પ્રત્યેક નાગરિકનું ફિટ રહેવું અનિવાર્ય છે. તેમણે સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદાઓ ગણાવતા કહ્યું કે, પ્રથમ- સાયકલિંગ એ શરીરને ફિટ રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. દ્વિતીય- સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે. તૃતીય- નજીકના સ્થળોએ જવા માટે સાયકલનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીજીના 'તેલ બચાવો અભિયાન'ને વેગ મળે છે, જેનાથી દેશના ઇંધણની આર્થિક બચત થાય છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ અમદાવાદના યુવાનોના જોશને બિરદાવતા હળવા અંદાજમાં કહ્યું કે, ગુજરાતી માણસ કામ માટે આખી રાત જાગી લેશે, પરંતુ ફિટનેસ માટે વહેલી સવારે ઉઠવું એ તેના માટે મોટો પડકાર હોય છે. તેમ છતાં, આજે અમદાવાદના યુવાનો આટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું 'ફિટ ઇન્ડિયા' અભિયાન એ કોઈ સરકારી કે રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી આપણી પોતાની જ જન-મૂવમેન્ટ છે.

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ દેશમાં ક્રિકેટની જેમ જ અન્ય તમામ રમતો અને ખેલાડીઓને પ્રોત્સાહન તેમજ ચાહકોનો સપોર્ટ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ ગરિમામય સાયકલિંગ ઇવેન્ટમાં ઓલિમ્પિક વિજેતા ગગન નારંગ, ઓલિમ્પિક એસોસિએશનના અજયભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અમદાવાદના હજારો ઉત્સાહી નાગરિકો-યુવાનો સહભાગી થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande