અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ અને કાર વચ્ચે અથડામણ, 3ના કરુણ મોત
અમરેલી, 24 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લાઠી નજીક આવેલા કેરાળા ગામ પાસે અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ભયાનક અથડામ
અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત : લક્ઝરી બસ અને કાર વચ્ચે અથડામણ, 3ના કરુણ મોત


અમરેલી, 24 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લાઠી નજીક આવેલા કેરાળા ગામ પાસે અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર એક ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, મોડી રાત્રે અલ્ટો કાર અમરેલી તરફથી લાઠી તરફ જઈ રહી હતી ત્યારે સામે તરફથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના જોરદાર અવાજને પગલે આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત એટલો વિકરાળ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચૂરચૂર થઈ ગયો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે, તબીબોએ તપાસ બાદ ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ પ્રક્રિયા હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને રાત્રિ દરમિયાન સાવચેતીપૂર્વક વાહન હંકાવવાની જરૂરિયાત સામે લાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande