




- કરોડોના નુકસાનની આશંકા, ફાયર સેફ્ટી સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો
- પ્રાથમિક અહેવાલો મુજબ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી
- દહેજ વિસ્તારમાં સતત બનતા અકસ્માતોને પગલે સ્થાનિકોમાં ભારે રોષ, કડક સુરક્ષા પગલાં લેવા માંગ
ભરૂચ, 24 મે (હિ.સ.) : દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિ અંગેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2માં આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તંત્ર દ્વારા હાલ આગ લાગવાના સચોટ કારણો શોધવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઉદ્યોગોમાં ફાયર સેફ્ટીના અમલીકરણ સામે સવાલો ઊભા થયા છે.દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વારંવાર બનતી આવી ગંભીર ઘટનાઓને કારણે અહીં કાર્યરત ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાઓ અને ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણ અંગે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે. ફેક્ટરી ઇન્સ્પેક્શન અને સેફ્ટી ઓડિટ માત્ર કાગળ પર જ રહે છે કે કેમ, તેવા સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કડક પગલાંની માંગ કરી રહ્યા છે.વારંવાર ઉઠતા આગના લબકારા અને પ્રદૂષણથી ત્રસ્ત સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે આવા જોખમી બનાવોને અટકાવવા માટે બેદરકાર કંપનીઓ સામે કડકમાં કડક કાનૂની અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત નિવારી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ