
જામનગર, 24 મે (હિ.સ.) : જામનગર પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વધુ એક શહેરીજનને સોનાના દાગીન પરત અપાવ્યા છે. શહેરના બર્ધનચોક વિસ્તારમાં રહેતાં વેપારીના ઘરમાંથી ચોરાયેલા છ લાખ ઉપરાંતની કિંમતના સોનાના દાગીના સિટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા સુપ્રત કરવામાં આવ્યા છે.
જામનગરના બર્ધનચોક મુલામેડી વિસ્તારમાં રહેતાં અલીઅશગરભાઇ યાહ્યાભાઇ ગાંઘી (ઉ.વ.49) ના મકાનમાં થોડા સમય પહેલાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ. છ લાખની ઉપરાંતની માલમત્તાની ચોરી કરી નાશી ગયા હતાં. ચોરીના આ બનાવ અંગેની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ 305(એ), 331(3), 331(4) મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો.
બાદમાં પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવાયા બાદ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ત્યારબાદ ફરિયાદી અલીઅશગરભાઇ યાહ્યાભાઇ ગાંધી દ્વારા દાગીના છોડાવવા માટે અરજી કરાતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રૂ. 6,35,400 ની કિંમતના સોનાના દાગીના સહીસલામત સુપ્રત કરવામા આવેલ હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt