

ગાંધીનગર, 24 મે (હિ.સ.) જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ 'ઈન્ડીયન મેન્ગો' નો ચસ્કો લાગ્યો છે. આ શબ્દો છે દિગ્વિજયસિંહ ગોહિલના, જેઓ પ્રતિ વર્ષ કેરી ખરીદવા ગુજરાત રૂબરૂ આવે છે અને ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરે છે.
ગોહિલ વધુમાં જણાવે છે કે, વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે.
એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે.
રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક સમીર સાપરીયા જણાવે છે કે, અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ.
અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને આપી છીએ, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઈપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનસો કેરીની પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જુનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે.
ડી-સેપિંગ : કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પહોરમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઉંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે છે જેથી ડીંટડીનો બધો રસ (ચીક) નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી.
હોટ વોટર ટ્રીટમેન્ટ : લીલી કેરીને તોડી 48 અંશ સેલ્સિયસ થી 52 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ 10 મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે.
આ પ્રક્રિયાથી કેરીમાં થતો 'એન્થ્રેકનોઝ' (કાળા ડાઘા પડવાનો રોગ) અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે. તેમજ ફળમાખી (Fruit Fly) ના ઇંડા અને ઇયળો મરી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી 'ઇથિલિન' ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે.
હાઇડ્રો-કૂલિંગ: ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10 અંશ સેલ્સિયસ થી 15 અંશ સેલ્સિયસ સુધીના ઠંડા પાણીમાં 10 મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સુકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર (Respiration Rate) ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે, તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે.
એફ.પી.ઓ. (Farmer Producer Organization) ના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડૉલર-પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે એફ.પી.ઓ. બનાવીને એકસરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે, તેમ સાપરીયાએ જણાવ્યું હતું.
નિકાસકારોના જણાવ્યા મુજબ, માત્ર કેરી જ નહીં પરંતુ 2026 ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ