
કચ્છ, 24 મે (હિ.સ.) : પૂર્વ કચ્છમાં વધતી આર્થિક છેતરપીંડી અને વિશ્વાસઘાત જેવી પ્રવૃત્તિઓ સામે આદિપુર પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી હાથ ધરી વધુ એક સફળતા મેળવી છે. તાજેતરમાં નોંધાયેલા ગુનામાં ગણતરીના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢી રોકડ રકમ સહિતનો મુદામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા તાજેતરમાં નોંધાયેલા છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સ્ટેશનની ટીમ સક્રિય બની હતી.
આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાની સૂચના હેઠળ પોલીસ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન પોલીસે સિદ્ધપુર વિસ્તારના બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં કેતન મહેશભાઈ પરમાર અને નરેશ અંબાલાલ શ્રીમાળીનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા ૨,૬૪,૬૭૦ ની રોકડ રકમ, પાંચ પાવતી બુકો તેમજ ૮૪ પાવતીઓ કબજે કરવામાં આવી હતી. સમગ્ર મુદામાલ જપ્ત કરીને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪), ૫૪ અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધાયો છે.
આ સફળ કામગીરીમાં પો.સ.ઇ આર.એમ. ડુવા સહિત આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીઓને ઝડપી પાડી ટૂંકા સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલતા સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar