

કચ્છ, 24 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા જતાં વેપાર અને હેરફેર સામે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી “નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઈન” અંતર્ગત ભચાઉ પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેતા એક શખ્સને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી લાખોની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરીને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થો સામે સતત સઘન અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત વોચ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાની ટીમને પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે હિંમતપુરા વિસ્તારમાં રહેતો દાઉદ કાસમભાઈ નારેજા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને ટીમ સાથે સ્થળ પર પહોંચી રેઈડ કરી હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝડતી દરમિયાન આરોપીના મકાનમાંથી અંદાજે ૨૫૫ ગ્રામ જેટલો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત સ્થળ પરથી રૂપિયા ૪.૭૭ લાખથી વધુની રોકડ રકમ, પ્લાસ્ટિકની થેલીઓ, દસ્તાવેજો તેમજ અન્ય સામગ્રી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂપિયા ૪.૮૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ દાઉદ કાસમભાઈ નારેજા (ઉંમર ૪૯), રહેવાસી હિંમતપુરા વિસ્તાર, ભચાઉ તરીકે થઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ભચાઉ પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ તંત્રએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar