ગાંધીધામ બીએસએફ કેમ્પમાં કરુણ ઘટના : યુવાન જવાને સર્વિસ રાયફલથી જીવન ટૂંકાવ્યું, સુરક્ષા તંત્રમાં શોકની લાગણી
કચ્છ, 24 મે (હિ.સ.) કચ્છના ગાંધીધામ નજીક આવેલા ગળપાદર સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કેમ્પમાં આજે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર સુરક્ષા તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ફરજ પર તૈનાત એક યુવાન જવાને પોતાની સર્વિસ ઇન્સાસ ર
ગળપાદર બીએસએફ કેમ્પ


કચ્છ, 24 મે (હિ.સ.) કચ્છના ગાંધીધામ નજીક આવેલા ગળપાદર સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કેમ્પમાં આજે સવારે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર સુરક્ષા તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ફરજ પર તૈનાત એક યુવાન જવાને પોતાની સર્વિસ ઇન્સાસ રાયફલથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા BSF કેમ્પમાં અચાનક ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામના વતની અને હાલ ગાંધીધામના ગળપાદર ખાતે આવેલી BSFની 90 બટાલિયનમાં ફરજ બજાવતા 24 વર્ષીય પંકજ લાભુભાઈ મેમકિયા આજે સવારે આશરે 8 વાગ્યાના સમયે ડ્યુટી દરમિયાન હાજર હતા. તે દરમિયાન અચાનક તેમણે પોતાની સર્વિસ રાયફલ વડે આત્મઘાતી પગલું ભરતાં આસપાસ હાજર સ્ટાફ દોડી આવ્યો હતો. ગોળી વાગતાં જ જવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ BSFના અધિકારીઓ તથા અન્ય જવાનો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. યુવાન જવાનના અકાળ અવસાનથી પરિવારજનો સહિત સાથી જવાનોમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટનાને પગલે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે નોંધ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પી.આઈ. એમ. જે. રાઠોડે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે જવાને પોતાની સર્વિસ ઇન્સાસ રાયફલથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે અને આત્મહત્યાના કારણો જાણવા પ્રયત્નો હાથ ધરાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande