
કચ્છ, 24 મે (હિ.સ.) ભુજ શહેરમાં વર્ષોથી સમાજસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરતી કચ્છી વિશા ઓશવાળ સંકુલ ની મુલાકાતે ભુજ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શીતલ શાહ પહોંચ્યા હતા. પ્રમુખપદની જવાબદારી સંભાળ્યા બાદ તેમની આ મુલાકાતને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સંસ્થામાં પહોંચતા જ આગેવાનો અને હોદેદારો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન શીતલ શાહે સંકુલ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ આરોગ્યલક્ષી સેવાઓ, શૈક્ષણિક સહાય, સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ તેમજ માનવતાને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે રજૂઆત કરી હતી. સંસ્થાની કાર્યશૈલી, આયોજન અને સેવાભાવને જોઈ તેઓ પ્રભાવિત થયા હતા અને કામગીરીને સમાજ માટે અત્યંત ઉપયોગી ગણાવી હતી.
ખાસ કરીને સંસ્થા દ્વારા વર્ષોથી સફળતાપૂર્વક ચલાવવામાં આવતી “મહાજનનું મામેરું” યોજના અંગે તેમણે વિશેષ રસ દાખવ્યો હતો. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળી તેમજ જરૂરતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન સમાજના સહયોગથી કરાવવામાં આવે છે. લગ્ન પ્રસંગે સાજન મહાજનની ઉપસ્થિતિ વચ્ચે દીકરીને પરિવારજનો સમાન સન્માન અને સહયોગ આપવામાં આવે છે, જેના કારણે અનેક પરિવારોને આર્થિક અને સામાજિક રીતે મોટી રાહત મળી રહી છે.
સંસ્થાના હોદેદારોએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત અંદાજે ૨૭૩ જેટલી દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા છે. આ આંકડો સાંભળીને શીતલ શાહે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં આવી સેવાભાવી સંસ્થાઓ સમાજમાં આશાનું કિરણ સમાન છે. માત્ર સેવા જ નહીં પરંતુ માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પણ આવી સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમાજના અંતિમ માણસ સુધી સહાય પહોંચાડવાની ભાવના સાથે કાર્ય કરતી સંસ્થાઓને દરેક સ્તરે પ્રોત્સાહન મળવું જોઈએ. ખાસ કરીને દીકરીઓના લગ્ન જેવી જવાબદારીમાં સહયોગ આપતી “મહાજનનું મામેરું” જેવી યોજનાઓ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આવી પ્રવૃત્તિઓ સમાજમાં એકતા, સહકાર અને સંવેદનાની ભાવના વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદ છેડા દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા ભવિષ્યમાં પણ વધુ વિસ્તૃત સ્તરે સમાજસેવાના કાર્યો આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સહાયના ક્ષેત્રોમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.
મુલાકાતના અંતે શીતલ શાહનું શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે સંસ્થાના સહમંત્રી હિરેન પાસડ સહિત આગેવાનો, કાર્યકરો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને સેવાભાવના માહોલ વચ્ચે યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar