



કચ્છ, 24 મે (હિ.સ.) : ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં ચાલી રહેલી શ્રી શિવ મહાપુરાણ કથાએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આકર્ષણ ઉભું કર્યું છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલાની મુલાકાતે આવેલા જર્મન પ્રતિનિધિમંડળે માત્ર બંદર અને વિકાસ કાર્યોની જ મુલાકાત લીધી નહોતી, પરંતુ ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો જીવંત અનુભવ પણ કર્યો હતો.
પુરુષોત્તમ માસના પાવન અવસર પર ગોપાલપુરી સાર્વજનિક મિત્ર મંડળ દ્વારા ડીપીએના પોર્ટ ટાઉનશીપ વિસ્તારમાં યોજાઈ રહેલી શ્રી શિવ મહાપુરાણ કથામાં જર્મન મહેમાનો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિ, ભક્તિભાવ અને આધ્યાત્મિક વાતાવરણથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. કથાસ્થળે પરંપરાગત સ્વાગત, વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિમય માહોલે વિદેશી પ્રતિનિધિઓને અનોખો અનુભવ કરાવ્યો હતો.
આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિની “અતિથિ દેવો ભવ:” જેવી પ્રાચીન ભાવનાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું. આધુનિક વિકાસ અને વૈશ્વિક મિત્રતાની સાથે આધ્યાત્મિક મૂલ્યોને પણ મહત્વ આપતું ભારત કેવી રીતે સમગ્ર વિશ્વને પોતાની પરંપરાઓ સાથે જોડે છે તેનો જીવંત અહેસાસ અહીં સર્જાયો હતો.
જર્મન પ્રતિનિધિમંડળે કથાના આયોજન, લોકોની ભાવનાત્મક જોડાણ અને ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્ણ પરંપરાઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. કચ્છની ધરતી પર યોજાયેલા આ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા “વસુધૈવ કુટુંબકમ” ની ભાવના ફરી એકવાર ઉજાગર થઈ હતી, જ્યાં વિવિધ દેશો અને સંસ્કૃતિઓ વચ્ચે આધ્યાત્મિકતા એક સેતુરૂપ બની દેખાઈ હતી.
આ સમગ્ર પ્રસંગે માત્ર સાંસ્કૃતિક આપલે જ નહીં, પરંતુ ભારત અને વિદેશ વચ્ચેના મિત્રતાભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પણ સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar