કચ્છના સરહદી વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છ, 24 મે (હિ.સ.) : કચ્છના સરહદી વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં એક ડ્રોન મળી આવતા પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તેની ગંભીરતાપ
લખપત વિસ્તારમાંથી મળેલ ડ્રોન


લખપત વિસ્તારમાંથી મળેલ ડ્રોન


કચ્છ, 24 મે (હિ.સ.) : કચ્છના સરહદી વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. લખપત તાલુકાના તહેરા ગામ નજીક બાવળોની ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં એક ડ્રોન મળી આવતા પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તેની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તાર હોવાને કારણે આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ નારાયણ સરોવર પોલીસ સ્ટેશનની ટીમ કોસ્ટલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સવારે આશરે સાડા નવ વાગ્યાના સમયે તહેરા ગામ તરફ બાવળોની ઝાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ પડેલી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઝાડીમાંથી કાળા રંગનું ઈલેક્ટ્રોનિક ડ્રોન મળી આવ્યું હતું. અંદાજે આઠ બાય આઠ સાઈઝ ધરાવતા આ ડ્રોનમાં ચાર લીલા રંગના પંખા જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

ડ્રોનની અંદર વિવિધ પ્રકારની ઈલેક્ટ્રોનિક સર્કિટો, વાયરો અને અન્ય સાધનો જોડાયેલા હોવાનું જણાયું હતું, જેના કારણે પોલીસને શંકા વધુ ગાઢ બની છે. પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન ડ્રોન પર અંગ્રેજીમાં “EMAX CO SERIES MADE IN CHINA” લખાણ જોવા મળ્યું હતું. ઉપરાંત તેમાં જોડાયેલી વાદળી રંગની બેટરી પર પીળા પટ્ટા સાથે “SPEEDY BEE” નામ પણ લખાયેલું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી ડ્રોન કબજે કરી તેને ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. ડ્રોન ક્યાંથી આવ્યું, તેનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ ગેરકાયદેસર હેતુ તો જોડાયેલો નથીને તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છનો સરહદી વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવતો હોવાથી સુરક્ષા એજન્સીઓ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે અને કોસ્ટલ પેટ્રોલિંગ વધુ કડક બનાવાયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ રાખી છે અને ટેકનિકલ માહિતીના આધારે ડ્રોનના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande