
કચ્છ, 24 મે (હિ.સ.) : અબડાસા તાલુકાના લઠેડી ગામની સીમમાં નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. ગામની સીમમાં આવેલા ખારા વિસ્તારમાં ઢલુરાઈ તળાવ નજીકથી તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં દુઃખ અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કોઠારા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત બાળકને ગામની બહાર નિર્જન વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છછી ગામના રહેવાસી જુમા મુસા ઉઠારને આ અંગે જાણ થતાં તેમણે તરત જ કોઠારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને તાત્કાલિક સારવાર તેમજ તપાસ માટે નલિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યું હતું.
પરંતુ હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં સમગ્ર ઘટનાએ કરુણ વળાંક લીધો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઈને કોઠારા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બાળકનો જન્મ ક્યાં થયો હતો, તેને અહીં કોણ મૂકી ગયું અને આ સમગ્ર ઘટનાની પાછળ શું કારણ હોઈ શકે તે સહિતના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આસપાસના વિસ્તારોમાં પૂછપરછ ઉપરાંત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ, નિર્દોષ નવજાતને આવી સ્થિતિમાં ત્યજી દેવાની ઘટનાએ લોકોમાં ભારે આક્રોશ જગાવ્યો છે. માનવતાને શરમાવે તેવી આ ઘટનાને લઈને સ્થાનિકોમાં દુઃખ સાથે ફિટકારની લાગણી પણ જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar