
વલસાડ, 24 મે (હિ.સ.) : લવાછા વિસ્તાર સ્થિત શિવ ધરા રેસિડેન્સીમાં શનિવારે સવારે માનવતા અને સંવેદનાની ભાવુક ઘટના સામે આવી હતી. સોસાયટીના અંદરના રસ્તા પર ગાયનું નાનું વાછરડું બીમાર હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. અનેક લોકો ત્યાંથી પસાર થયા છતાં કોઈએ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો નહોતો.
આ દરમિયાન સોસાયટીમાં રહેતા કેટલાક લોકોની નજર આ બેજુબાન પ્રાણી પર પડતા તેઓ તરત જ મદદ માટે આગળ આવ્યા હતા. લોકોએ વાછરડાને ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અત્યંત નબળું હોવાના કારણે ઊભું રહી શકતું નહોતું. ત્યારબાદ લોકોએ તેને પાણી પીવડાવ્યું તેમજ ખાવાનું પણ આપ્યું હતું જેથી તેને થોડી રાહત મળી શકે.
સ્થિતિ ગંભીર જણાતા સોસાયટીના લોકોએ તાત્કાલિક એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જાણ થતાં જ DNH પ્રશાસનની એનિમલ એમ્બ્યુલન્સ ડોક્ટરોની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી અને વાછરડાની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે આજે પણ સમાજમાં એવા લોકો છે જેઓના દિલમાં બેજુબાન પ્રાણીઓ પ્રત્યે દયા અને સંવેદના જીવંત છે.
દૈનિક અખબાર મારફતે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ કોઈ ઘાયલ, બીમાર અથવા અસહાય બેજુબાન પ્રાણી દેખાય તો તરત જ પ્રશાસન અથવા એનિમલ હેલ્પલાઇનને જાણ કરવી જોઈએ. તમારી નાની મદદ કોઈ નિર્દોષ પ્રાણીનું જીવન બચાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha