તમારું એક જૂનું પુસ્તક આપશે કોઈના સપનાને પાંખો, સાણંદમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ થયું અનોખું 'વિદ્યાદાન અભિયાન'
અમદાવાદ, 24 મે (હિ.સ.) આજના સમયમાં પણ કંઈ કેટલાય પરિવારો એવા છે જેઓ આર્થિક સંકળામણના કારણે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી અથવા તો પુસ્તકો ખરીદવાની શક્તિના અભાવે બાળકોને અડધેથી ભણતર છોડી દેવું પડે છે. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને
વિદ્યાદાન અભિયાન


અમદાવાદ, 24 મે (હિ.સ.) આજના સમયમાં પણ કંઈ કેટલાય પરિવારો એવા છે જેઓ આર્થિક સંકળામણના કારણે પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી અથવા તો પુસ્તકો ખરીદવાની શક્તિના અભાવે બાળકોને અડધેથી ભણતર છોડી દેવું પડે છે. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે અને કોઈપણ બાળક પુસ્તકોના અભાવે અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુ સાથે સાણંદના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 'વિદ્યાદાન અભિયાન'નો એક પ્રશંસનીય પ્રારંભ કરવામાં આવ્યો છે.

સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક અભિયાન બેનર સાથે આ અનોખી પહેલને બહોળા સ્તરે લોકો સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ જરૂરિયાતમંદ બાળકો સુધી આ સેવાનો લાભ પહોંચાડી શકાય.

સંસ્થાના ટ્રસ્ટી મનુભાઈ બારોટ આ ભગીરથ કાર્ય વિશે માહિતી આપતા જણાવે છે કે, આ અભિયાન અંતર્ગત સાણંદ તાલુકાના ધોરણ 01 થી 12 સુધી અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળાના પુસ્તકો તદ્દન મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સાથે જ સમાજના સક્ષમ લોકો પાસે રહેલા જૂના પરંતુ ઉપયોગી પુસ્તકો, નોટબુક, ગાઇડ, મેગેઝિન અને અન્ય શૈક્ષણિક સામગ્રી દાનમાં સ્વીકારવા માટે એક વિશેષ રિસિવિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અભિયાનમાં લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી માટે કોઈ જટિલ માપદંડો રાખવામાં આવ્યા નથી, માત્ર ભણવાની સાચી ઉત્કંઠા ધરાવતા વિદ્યાર્થીઓને જ પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના હેઠળ કોઈપણ બાળક માત્ર સાધનો કે આર્થિક તંગીના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તે જ આ સેવાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાદાન અભિયાન શાળાનું ઉનાળું વેકેશન પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી નવું સત્ર શરૂ થાય તે પહેલાં જ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓ આ પરોપકારી કાર્ય સાથે જોડાઈ શકે. આ અભિયાનના બેનરમાં દર્શાવ્યા મુજબ, “તમારું દાન – કોઈના સપનાનું જ્ઞાન” અને “એક પુસ્તક – અનેક સપનાઓ” જેવા હૃદયસ્પર્શી સૂત્રો સમાજને શિક્ષણ કાર્યમાં સહભાગી થવાનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ આપે છે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર પુસ્તકોનું વિતરણ કરવા પૂરતો સીમિત નથી, પરંતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે સહભાગિતા, સેવાભાવ અને પુસ્તકોના પુનઃઉપયોગ દ્વારા પર્યાવરણ સંરક્ષણની વૈશ્વિક ભાવના વિકસાવવાનો પણ છે. માનવ સેવા ટ્રસ્ટ, સાણંદ દ્વારા તાલુકાના તમામ નાગરિકો, શિક્ષકો, વાલીઓ, સામાજિક આગેવાનો અને ઉત્સાહી યુવાનોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરમાં રહેલા, ભૂતકાળમાં વપરાયેલા અને હાલ ઉપયોગમાં ન આવતા પુસ્તકો આ અભિયાનમાં દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે અને આ જ્ઞાનયજ્ઞના સહભાગી બને.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande