
મહેસાણા, 24 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા તમાકુ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ લાંઘણજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે દંતાણી વિપુલકુમાર અશોકભાઈ, મૂળ ભીમાસણ અને હાલ સાદરા રહેતા, તેમજ દંતાણી રણજીત જયંતિભાઈ, મુલસણ ગામના રહેવાસી, ગોઝારીયા વિસ્તારમાં હાજર છે અને તમાકુના વેપારના બહાને ફરી રહ્યા છે.
પોલીસે બંને શંકાસ્પદ ઇસમોને ઝડપી પૂછપરછ કરતાં તેમણે ચોરી કરેલ તમાકુ મુલસણ ગામે સંતાડ્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે ત્યાંથી તમાકુના ૪૮ કોથળા, કુલ કિંમત રૂ. ૭૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR