
અમદાવાદ, 24 મે (હિ.સ.) દિલ્હીની આયોરા ટ્રસ્ટ અને એસ.એમ.એસ. ગ્રુપ દ્વારા સાણંદ તાલુકાના ઉપળદળ ગામ અને વનાળીયા ગામમાં પ્રાકૃતિક કિચન ગાર્ડન અને બાગાયતી પાકો ઉપર એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આયોરા ટ્રસ્ટના મેનેજર અંબુજ શુક્લએ આયોરા ટ્રસ્ટની વિવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગામોને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ખેતીની સાથે-સાથે ખેતરના શેઢા-પાળાનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે તેમણે શેઢા પર ઉપયોગી બાગાયતી વૃક્ષો, પશુપાલન માટે લીલો ઘાસચારો પૂરો પાડતા વૃક્ષો તેમજ ઈમારતી લાકડા આપતા વૃક્ષોના વાવેતર અંગે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ત્યારબાદ તાલીમ કોઓર્ડિનેટર કાશીરામ એસ. વાઘેલાએ ઉપસ્થિત ગ્રામજનોને પ્રાકૃતિક રીતે ઘર આંગણે કિચન ગાર્ડન તૈયાર કરવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ચોમાસુ સિઝનના વિવિધ શાકભાજીના બીજની રોપણી કેવી રીતે કરવી, રોપનો ઉછેર કઈ રીતે કરવો અને બે બીજ વચ્ચે કેટલું અંતર રાખવું તે બાબતો ઝીણવટપૂર્વક સમજાવી હતી. આ સાથે જ તેમણે રાસાયણિક જંતુનાશક દવાઓવાળા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્યને થતા ગંભીર નુકસાન અને ઘર આંગણે પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલા શુદ્ધ શાકભાજી ખાવાના ફાયદાઓ વિશે લોકોને જાગૃત કર્યા હતા.
આ તાલીમ શિબિરમાં ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડના ફિલ્ડ ઓફિસર જાગૃતિબહેને પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે ખેતીમાં પાણીની બચત અને વધુ ઉત્પાદન મેળવવા માટે ડ્રીપ ઈરિગેશન (ટપક સિંચાઈ પદ્ધતિ) ના ફાયદા સમજાવ્યા હતા, તેમજ સરકાર તરફથી તેમાં મળતી વિવિધ સહાય અને સબસિડી યોજનાઓની વિસ્તૃત વિગતો ખેડૂતો સમક્ષ રજૂ કરી હતી.
દરેક પરિવાર પોતાના ઘર આંગણે પ્રાકૃતિક રીતે શુદ્ધ શાકભાજી ઉગાડીને પોતાના ખોરાકમાં તેનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ લોકોને ચોમાસામાં થતા શાકભાજીના બીજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિરના અંતિમ ચરણમાં ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના તજજ્ઞો દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક તાલીમ સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે ડેટા એનાલિસ્ટ ધર્મેન્દ્ર યાદવ, તાલીમ કોઓર્ડિનેટર પિન્ટુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ