
અમરેલી, 24 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ડીઝલની અછત વચ્ચે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજુલાના વિકટર ચોકડી ખાતે આવેલા પેટ્રોલપંપના સંચાલકને ડીઝલ ભરવા બાબતે ધમકી મળ્યાનો આક્ષેપ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ મામલે પંપ સંચાલક દ્વારા ડુંગર પોલીસમાં લેખિત અરજી આપવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વિકટર ચોકડી પર આવેલા પેટ્રોલપંપના સંચાલક પધ્યુમનભાઈ ખુમાણને સુરતના સચીન પોલીસ સ્ટેશનના PSI જયસુખ બારૈયાના નામે ફોન કરીને ડીઝલ આપવા માટે દબાણ અને ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ અગાઉ પણ સંબંધિત વ્યક્તિને ડીઝલ આપવામાં આવ્યું હતું, પરંતુ બીજી વખત ફરી ડીઝલની માંગણી સાથે ધમકીભર્યો ફોન આવ્યો હતો.
ડીઝલની અછતને કારણે જિલ્લામાં અનેક પેટ્રોલપંપો પર ભારે ભીડ અને તંગ સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પોલીસ કર્મચારીના નામે આવી ધમકી મળતા મામલો વધુ ગંભીર બન્યો છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “પોલીસ રક્ષક હોવા છતાં ધમકી આપતા હોવાનો અનુભવ થયો.”
પંપ સંચાલકે સંબંધિત મોબાઈલ નંબર સાથેની વિગતવાર અરજી રાજુલા પોલીસમાં આપી છે. ડુંગર પોલીસે અરજીના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai