
સુરત, 24 મે (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ આયોજન મુજબ પોલીસે અચાનક દરોડો પાડતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. દરોડા દરમિયાન પોલીસે દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની કુલ 1,388 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2.49 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 175 બીયરના ટીન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 2.71 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.
આ કેસમાં પોલીસે મારિયા ઉર્ફે મેક્સ નાયડુ (ઉં. 39), રહેવાસી આંબાવાડી પાટીચાલ ઝૂંપડપટ્ટી, વરાછા, ની ધરપકડ કરી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે