
અમરેલી, 24 મે (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આવતીકાલે 11 તાલુકા પંચાયતોના પ્રમુખોની વરણી યોજાનાર છે, ત્યારે લાઠી તાલુકા પંચાયતનું રાજકારણ સૌથી વધુ ચર્ચામાં આવ્યું છે. લાઠી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે OBC મહિલા સભ્ય ન હોવાથી પ્રમુખ પદ માટે ભાજપને આપ પાર્ટીના સભ્યનો સહારો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
લાઠી તાલુકા પંચાયતમાં કુલ 10 ભાજપ, 4 આપ અને 2 કોંગ્રેસ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. પ્રમુખ પદ OBC મહિલા માટે અનામત હોવાથી ભાજપે આપ પાર્ટી સાથે ગઠબંધન કરતાં આપ પાર્ટીના સભાડિયા બેઠકના મહિલા સભ્ય રમીલાબેન કુનકીયાએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવ્યો છે.
બીજી તરફ કોંગ્રેસ તરફથી શાંતાબેન ડેરેએ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. શાંતાબેન ડેરે અગાઉ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીને હરાવી ચર્ચામાં આવ્યા હતા. જ્યારે આપ પાર્ટી તરફથી ક્રિષ્નાબેન ખુમાણે પણ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ, કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર તેમજ આપ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપ પાર્ટીના મહામંત્રીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “આપ પાર્ટીના મહિલા સભ્યને ભાજપ હાઈજેક કરીને લાવ્યું છે.” હવે આવતીકાલે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ચૂંટણી જંગ જામશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai