ડીવાયએસપી તરીકેની ઓળખ આપી રૌફ જમાવી છેતરપિંડી આચરતો નકલી પોલીસ અધિકારી ઝડપાયો
રાજકોટ, 24 મે (હિ.સ.) : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ અને નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને ડરાવી, ધમકાવીને તોડબાજી કરતી ટોળકીઓ સક્રિય બની છે. આવા ગુનેગારો સામાન્ય જનતાની છેતરપિંડી કરીને પોલીસ પ્રશાસનની છબી ખરડી રહ્યા છે. આ વધત
નકલી પોલીસ


રાજકોટ, 24 મે (હિ.સ.) : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી સરકારી અધિકારીઓ અને નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને ડરાવી, ધમકાવીને તોડબાજી કરતી ટોળકીઓ સક્રિય બની છે. આવા ગુનેગારો સામાન્ય જનતાની છેતરપિંડી કરીને પોલીસ પ્રશાસનની છબી ખરડી રહ્યા છે.

આ વધતા જતા દૂષણને ડામવા માટે રાજકોટ રેન્જ પોલીસે એક પ્રશંસનીય અને મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાંથી એક હાઈપ્રોફાઈલ નકલી પોલીસ અધિકારીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા શખ્સની ઓળખ સોહિલખાન પઠાણ તરીકે થઈ છે, જે પોતે ક્લાસ-1 અધિકારી એટલે કે ડીવાયએસપી (DYSP) હોવાનો નકલી રોફ જમાવતો હતો.

આરોપી એટલો શાતિર છે કે તે સામાન્ય નાગરિકો, વાહનચાલકો અને શંકાસ્પદ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરતો હતો. તે લોકોને ફોન કરીને કે રૂબરૂ મળીને પોતે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં DYSP તરીકે ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ આપતો હતો. ત્યારબાદ પોલીસ કેસમાં ફસાવી દેવાની અને જેલભેગા કરવાની ધમકી આપીને તે લોકો પાસેથી લાખો રૂપિયાની તોડબાજી કરતો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોહિલખાન પઠાણ કોઈ નવો નિશાળિયો નથી, પરંતુ જૂનો અને રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરવાના અને ઓનલાઈન છેતરપિંડી આચરવાના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

હાલ રાજકોટ રેન્જ પોલીસે આ નકલી ડીવાયએસપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને કુલ કેટલા રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આ સફળ ઓપરેશન રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલિયા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. પ્રજાને આવા નકલી અધિકારીઓથી સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande