
સિલવાસા, 24 મે (હિ.સ.) : વાપી અને વલસાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેડક્રોસ બ્લડ બેન્કોમાં બ્લડની અછત સતત અનુભવાઈ રહી છે. માર્ગ અકસ્માત, ડિલિવરી કેસ, ઓપરેશન, ગંભીર બીમારીઓ તથા ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક બ્લડની જરૂર પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો રેડક્રોસ બ્લડ બેન્કનો સહારો લે છે, પરંતુ જરૂર સમયે બ્લડ લેનારામાંથી ખૂબ ઓછા લોકો રક્તદાન માટે આગળ આવતા હોવાનું ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે.
આ વધતી જરૂરિયાત અને જાગૃતિ લાવવા માટે “સેવ હ્યુમન લાઇફ” સંસ્થા દ્વારા સિલવાસા રેડક્રોસ બ્લડ બેન્ક અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન શિબિર આગામી 31 મે 2026, રવિવારના રોજ સવારે 9:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી પ્રખ્યાત ગાર્ડન ક્લબ હાઉસ, યોગી હોસ્પિટલ સામે, સિલવાસા ખાતે યોજાશે. આયોજકોએ વધુમાં વધુ લોકોને રક્તદાન કરી માનવસેવામાં જોડાવા અપીલ કરી છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર રક્તદાનથી શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ શરીરમાં નવું રક્ત ઝડપથી બને છે અને સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. એક યુનિટ રક્ત કોઈ જરૂરિયાતમંદ દર્દીનું જીવન બચાવી શકે છે.
“સેવ હ્યુમન લાઇફ”ના અધ્યક્ષ વિશાલ (અપ્પૂ) પટેલે જણાવ્યું હતું કે બ્લડ કોઈ ફેક્ટરી કે લેબમાં બનાવવામાં આવતું નથી, તેની પૂર્તિ માત્ર માનવ દ્વારા કરાયેલા રક્તદાનથી જ શક્ય બને છે. તેમણે વિસ્તારની કંપનીઓ, ફેક્ટરીઓ, એજન્સીઓ અને સંસ્થાઓને પોતાના કર્મચારીઓને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને યુવાનો અને ખેલાડીઓને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. નિયમિત રક્તદાન દ્વારા સમાજમાં બ્લડની અછત જેવી ગંભીર સમસ્યાને દૂર કરી શકાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુ માહિતી માટે 99746 67272 તથા 98983 50001 નંબર પર સંપર્ક કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha