
સુરત, 24 મે (હિ.સ.) : સુરત ક્રાઇમ બ્રાંચ અને અમરોલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહારાષ્ટ્ર અને સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલી ‘બંગાળી ગેંગ’ના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં થયેલી રૂ. 77.22 લાખની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા સુમિત રાજુભાઈ બંગાળી અને તેના સાગરીત રાહુલ ઉર્ફે કાલુ ગૌડની અમરોલી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી સફળ બની હતી.
પોલીસ તપાસ મુજબ, 23 એપ્રિલ 2026ની વહેલી સવારે આરોપીઓએ ચાકણ સ્થિત ‘ક્ષમતા જવેલર્સ’નું શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ગેંગે દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 77.22 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. ઘટનાના બાદથી મહારાષ્ટ્ર પોલીસ આરોપીઓની શોધખોળમાં હતી, ત્યારે સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કેસનો મહત્વનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
ધરપકડ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી રૂ. 9.40 લાખથી વધુ કિંમતનો ચોરાયેલ મુદ્દામાલ મળી આવ્યો હતો. સુમિત બંગાળી માત્ર 22 વર્ષની ઉંમરે જ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, ઘરફોડ ચોરી અને અન્ય કલમો હેઠળ કુલ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેનો સાથી રાહુલ ગૌડ સામે પણ ચોરી અને જુગાર સંબંધિત ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગ મજૂરી કામની આડમાં વિસ્તારોની રેકી કરતી અને તક મળતા જ મોટી ચોરીઓને અંજામ આપતી હતી. હાલ બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ પુણે પોલીસને સોંપવાની તજવીજ ચાલી રહી છે. તપાસ એજન્સીઓને આશા છે કે આરોપીઓની વધુ પૂછપરછમાં સુરત અને મહારાષ્ટ્રમાં થયેલી અન્ય ચોરીઓના પણ મહત્વના ખુલાસા થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે