વલસાડ જિલ્લા પંચાયતને મળશે નવું નેતૃત્વ, પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાઈ
વલસાડ, 24 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ પદ માટે હેતલબેન જીતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષભાઈ પટેલ દ્વારા ઉમેદવારી
ભાજપ ઉમેદવારે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું


વલસાડ, 24 મે (હિ.સ.) : વલસાડ જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ પદ માટે હેતલબેન જીતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. પક્ષના હોદ્દેદારો અને પ્રભારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ ઉમેદવારી પત્રો સત્તાવાર રીતે રજૂ કરાયા હતા.

તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જિલ્લા પંચાયતના ટોચના પદો માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે.

આવતીકાલે યોજાનારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રજૂ કરાયેલા નામો પર સત્તાવાર મહોર લાગશે. ભાજપના બહુમતી આંકડાને જોતા બંને ઉમેદવારોની વરણી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. બીજી તરફ, જિલ્લાના અંતરિયાળ વિસ્તારો ખાસ કરીને કપરાડા અને ધરમપુર વિસ્તારમાં પાણીની સમસ્યા મુદ્દે પણ ચર્ચા જોવા મળી હતી. આ અંગે સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે હાલ ઉનાળાની અંતિમ સિઝન ચાલી રહી હોવાથી કેટલીક જગ્યાઓ પર પાણીની અછત સર્જાવું સ્વાભાવિક છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે નવી ટીમ સત્તા સંભાળ્યા બાદ સંગઠનના હોદ્દેદારો અને મહામંત્રીઓ સાથે સંકલન કરી પાણી સહિતના પ્રાથમિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે કામ કરશે.

હવે આવતીકાલે યોજાનારી સામાન્ય સભા બાદ વલસાડ જિલ્લા પંચાયતને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સ્વરૂપે સત્તાવાર નેતૃત્વ મળી જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande