
ભાવનગર, 24 મે (હિ.સ.) : ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં આવેલી માધ્યમિક હાઈસ્કુલમાં અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવતા ગામ સહિત શિક્ષણજગતમાં ચકચાર મચી જવા પામી છે. શાળાના હોલ, પ્રિન્સિપાલ ઓફિસ અને અન્ય વિભાગોના કાચ તોડી આશરે રૂ. 1.50 લાખનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ હાલ શાળામાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. શાળાના ચોકીદારની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ નોકરી પરથી છૂટા થઈ ગયા હતા અને ત્યારબાદ હજુ સુધી નવો ચોકીદાર રાખવામાં આવ્યો ન હતો. આ દરમિયાન સ્વાધ્યાય પરિવારના કાર્યકરો પોતાના કાર્યક્રમ માટે શાળામાં વહેલા પહોંચ્યા હતા. ત્યારે તેમને શાળામાં થયેલી તોડફોડ નજરે પડી હતી.
કાર્યકરોએ તાત્કાલિક શાળાના આચાર્ય મહીપાલસિંહ દિલાવરસિંહ ગોહિલને ફોન દ્વારા જાણ કરતા તેઓ શિક્ષકો અને પટ્ટાવાળાઓ સાથે શાળાએ દોડી આવ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે અજાણ્યા શખ્સે પથ્થરો ફેંકીને મુખ્ય હોલની બારીઓના કાચ, પ્રિન્સિપાલ ચેમ્બરના કાચ, નવી ઓફિસના દાદરા તેમજ ઓફિસના અન્ય કાચ તોડી ભારે નુકસાન કર્યું હતું.
શાળાના સ્ટાફ સાથે ચર્ચા અને પરામર્શ કર્યા બાદ આચાર્ય મહીપાલસિંહ ગોહિલે સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે સરકારી અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ કોણે અને કયા કારણસર આ તોડફોડ કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA