પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો ઉપદ્રવ વધ્યો, પાણી બન્યું દૂષિત
પાટણ, 24 મે (હિ.સ.) : પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો થતાં તળાવનું પાણી દૂષિત બન્યું છે. આસપાસની સોસાયટીઓમાંથી આવતા ગટરના ગંદા પાણીના કારણે ઝેરી વેલ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ ફેલાઈ છ
પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો ઉપદ્રવ વધ્યો


પાટણ, 24 મે (હિ.સ.) : પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો થતાં તળાવનું પાણી દૂષિત બન્યું છે. આસપાસની સોસાયટીઓમાંથી આવતા ગટરના ગંદા પાણીના કારણે ઝેરી વેલ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ ફેલાઈ છે. સવારના સમયે મોર્નિંગ વોક માટે આવતા નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વર્ષ 2004માં આનંદીબેન પટેલના પ્રયાસો, લોકભાગીદારી અને સરકારી સહાયથી આ તળાવને સુંદર બગીચા અને ‘આનંદ સરોવર’ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે હવે આ સ્થળ ફરી જૂના ‘ગુંગડી તળાવ’ જેવા રૂપમાં પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે.

સ્થાનિક નાગરિકો અને તજજ્ઞોના મતે, સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તળાવમાં આવતો ગટરના ગંદા પાણીનો પ્રવાહ સંપૂર્ણ બંધ કરવો જરૂરી છે. સાથે જ સરોવરમાં લગભગ 4 ફૂટ સુધી ખોદકામ કરીને જળકુંભીને મૂળમાંથી દૂર કરવામાં આવે તો તળાવ ફરી સ્વચ્છ અને સુંદર બની શકે છે.

આ મુદ્દે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન નીલમ પટેલએ જણાવ્યું કે ગંદા પાણીના આવરાને બંધ કરવા માટે સંબંધિત વિભાગને કડક સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande