લવ મેરેજ બાદ સુરતના અમરોલીમાં હંગામો, યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
સુરત, 24 મે (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ લગ્નને લઈને ભારે તણાવનો બનાવ સામે આવ્યો છે. જૂના કોસાડ રોડ પર આવેલી મનિષા સોસાયટીમાં રહેતા દિગ્વિજયસિંહ રાજે પોતાની સોસાયટીમાં રહેતી યુવતી સાથે આશરે એક મહિના પહેલાં પોતાની મરજીથી લગ્ન કર્યા હતા.
Surat


સુરત, 24 મે (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમ લગ્નને લઈને ભારે તણાવનો બનાવ સામે આવ્યો છે. જૂના કોસાડ રોડ પર આવેલી મનિષા સોસાયટીમાં રહેતા દિગ્વિજયસિંહ રાજે પોતાની સોસાયટીમાં રહેતી યુવતી સાથે આશરે એક મહિના પહેલાં પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ઘર છોડીને અન્યત્ર રહેવા જતા યુવતીનો પરિવાર આ સંબંધથી નારાજ હતો અને યુવકના પરિવાર સામે મનદુઃખ રાખી બેઠો હતો.

શનિવારે સવારે યુવતીના પિતા સહિત ચાર લોકો લોખંડની પાઇપ લઈને યુવકના ઘરે પહોંચી ગયા હતા. આરોપ છે કે તેમણે ઘરની બહાર બૂમાબૂમ કરી યુવતીને પરત લાવવા માટે દબાણ કર્યું અને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી. સાથે જ ફરિયાદીના પરિવારને જાહેરમાં અપશબ્દો બોલી હોબાળો મચાવતા સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાથી ડરી ગયેલું નવદંપતી હાલ અજાણ્યા સ્થળે આશરો લેવા મજબૂર બન્યું છે. સમગ્ર મામલે રઘુવીરસિંહ રાજે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મુખ્ય આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande