- સીતારમણ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે
નવી દિલ્હી,15 જાન્યુઆરી (હિ.સ.) સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2022થી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. આર્થિક સર્વે 31 જાન્યુઆરીએ અને બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ માહિતી લોકસભા સચિવાલય દ્વારા આપવામાં આવી છે.
લોકસભા સચિવાલય અનુસાર, બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી, 2022 સુધી અને બીજો તબક્કો 14 માર્ચથી 08 એપ્રિલ, 2022 સુધી ચાલશે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થશે. નાણાકીય વર્ષ 2022-23નું બજેટ મોદી-2 સરકાર અને નાણા મંત્રી સીતારમણનું ચોથું કેન્દ્રીય બજેટ હશે.
નોંધનીય છે કે આ નાણાકીય વર્ષમાં વિકાસ દર બે આંકડામાં રહેવાની ધારણા છે. સરકારે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 6.8 ટકા રાજકોષીય ખાધનો અંદાજ મૂક્યો છે. નાણામંત્રીએ પહેલાથી જ ઉદ્યોગોના હિતધારકો, નાણાકીય ક્ષેત્રના લોકો, ટ્રેડ યુનિયનો, ખેડૂતો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોમાં આવકવેરા સ્લેબ, ડિજિટલ સેવાઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ અને હાઈડ્રોજન સ્ટોરેજ માટે પ્રોત્સાહનો અંગે મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર