નવી દિલ્હી, 19 મે (હિ.સ.) રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સામાન્ય માણસને, મોંઘવારી મોરચે વધુ એક ઝટકો લાગ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું રસોઈ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. 3.50 અને કોમર્શિયલ ગેસના ભાવમાં રૂ. 8 પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. એલપીજીના વધેલા દરો અમલમાં આવી ગયા છે.
આ વધારા સાથે, ગુરુવારથી, રાજધાની દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર 1003 રૂપિયામાં, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1002.50 રૂપિયામાં, કોલકાતામાં 1029 રૂપિયામાં અને ચેન્નઈમાં 1018.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. એ જ રીતે હવે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2354 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા અને ચેન્નઈમાં 2507 રૂપિયા થઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ મહિનામાં બીજી વખત 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. આ પહેલા 7 મે 2022ના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એક વર્ષની અંદર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 800 રૂપિયાથી વધીને 1000 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / માધવી