સ્વચ્છતામાં સુધારો લાવવા અને કુપોષણ ઘટાડવા બનાસકાંઠાના ધાનેરા ખાતેથી હેલો ડોકટર બેન મફત કૉલ સેવાના પાયલોટ પ્રોજેક્ટનો અમલ
અંબાજી 24 જુન (હિ.સ.) સ્વચ્છતામાં સુધારો લાવવાના અને કુપોષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી ચેરીટેબલ ફાઉન્
સ્વચ્છતામાં સુધારો લાવવા અને કુપોષણ ઘટાડવા બનાસકાંઠાના ધાનેરા ખાતેથી હેલો ડોકટર બેન મફત કૉલ સેવાના પાયલોટ પ્રોજેક્ટનો અમલ


અંબાજી 24 જુન (હિ.સ.) સ્વચ્છતામાં સુધારો લાવવાના અને કુપોષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી ચેરીટેબલ ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા હેલો ડોકટર બેન મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી સાબુ અને પોષણ સાથે હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે. રાજ્યમાં 1.35 મિલિયન સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લામાં થઈ રહી છે. ત્યારબાદ રાજ્યના 10 જિલ્લાઓમાં આ કાર્યક્રમને આગળ વધારવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે હેલો ડોકટર બેન મફત કોલ સેવા કાર્યક્રમના પાયલોટ પ્રોજેકટનું અમલીકરણ હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ કારોબારી હોલ, જિલ્લા પંચાયત ખાતે એક મિટિંગ યોજાઈ હતી. જેમાં આ પ્રોજેક્ટનું નિદર્શન કરી પ્રોજેકટની રૂપરેખા અને માર્ગદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છતામાં સુધારો કરવા અને કુપોષણ ઘટાડવા માટેના બુદ્ધિશાળી અભિગમ સાથે મહત્વપૂર્ણ લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગની ઉપસ્થિત તમામ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

હેલો ડોકટર બેન મફત કૉલ સેવા પ્રોજેકટ થકી સગર્ભા સ્ત્રીઓ અથવા નવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેનો સંદેશ પહોંચાડી શકાશે. તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમની અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પહોંચાડી શકાશે.

આ સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણ અંગેની જવાબદારી નિભાવી રહેલી ગ્રુપ એમ મીડિયા ઈન્વેસ્ટમેન્ટ કંપનીના સંદીપ બંસલ, શ્રીમતી ડૉ. દેબજાની ખાન, ડૉ.હેમંત ઇંગ્લેએ પ્રોજેક્ટના તમામ પાસા અને કામગીરી અંગે ઉપસ્થિત તમામને માહિતગાર કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર અગ્રવાલ


 rajesh pande