જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીનો 405 મો ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ, 24મી સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા
જામનગર, 21 સપ્ટેમ્બર (હિં. સ.) જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ , ખીજ
જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીનો 405 મો ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ, 24મી સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા


જામનગર, 21 સપ્ટેમ્બર (હિં. સ.) જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ , ખીજડા મંદિરમાં તા . 23 સપ્ટેમ્બર, 2022 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગર શહેર શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે .

મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર - 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .

પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીની જન્મ જયંતી જામનગરમાં દેશ - વિદેશના હજારો ભાવિક ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવાય છે . આ વર્ષે પણ તા.23 સપ્ટેમ્બર,2022થી ત્રિ દિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નો પ્રારંભ થનાર છે. આ મહોત્સવના પ્રારંભે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવના બીજા દિવસે તા . 24 સપ્ટેમ્બર,2022 રોજ સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યાર બાદ બપોરે 4 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘ શ્રી પ્રાણનાથ મેડી મંદિર'' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.

તા. 25 સપ્ટેમ્બર, 2022 ને રવિવારના રોજ “ શ્રી તારતમ સાગર’’ના શ્રી 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે. તેમજ તા . 29 સપ્ટેમ્બર, 2022 ને ગુરુવારના રોજ મહામતી શ્રી પ્રાણનાથજી નો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવશે .

જામનગરમાં આયોજિત ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન સવારે 9 થી 11:30 શ્રી તારતમવાણીની ચર્ચા થશે . બપોરે 4 થી 6:30 સત્સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્યા , રાસ - ગરબા , ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર , જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિત કરવામાં આવેલ છે. સાથોસાથ ભારતના વિવિધ રાજ્યો તથા નેપાળ , ભૂતાન , સિક્કિમ તેમજ વિદેશથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ - સુંદરસાથજી હાજરી આપશે .

ધાર્મિક વ્યાખ્યાનોમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજશ્રી તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્યાખ્યાનો અને શ્રી તારતમ સાગરની ચર્ચા થશે . આ મહોત્સવના સુચારુ સંચાલન - વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ આધ્યાત્મિક મહોત્સવની જ્ઞાનગંગામાં પાવન થવા સુંદરસાથજી, ધર્મપ્રેમી ભક્તોને સાદર અનુરોધ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / કિંજલ કારસરીયા


 rajesh pande