રશિયાએ ભારતને યુએનએસસી માં કાયમી સભ્યપદ આપવાની ભલામણ કરી
ન્યુયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના કાયમી
રશિયાએ ભારતને યુએનએસસી માં કાયમી સભ્યપદ આપવાની ભલામણ કરી


ન્યુયોર્ક, નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ.). રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના કાયમી સભ્ય માટે ભારતને જોરદાર સમર્થન આપ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની કાયમી સભ્યપદની ભલામણ કરી છે. 77મી યુએન જનરલ એસેમ્બલીમાં પોતાના સંબોધનમાં લાવરોવે કહ્યું કે, અમે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોના પ્રતિનિધિત્વ દ્વારા સુરક્ષા પરિષદને વધુ લોકતાંત્રિક બનાવવાની શક્યતા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને ભારત અને બ્રાઝિલ મુખ્ય આંતરરાષ્ટ્રીય દેશો છે. આ બંને દેશોને કાયમી સભ્યપદ માટે વિચારવું જોઈએ.

આ દરમિયાન લાવરોવે પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યો કે, તેઓ તેમના સંઘનો ભાગ બનવા માટે યુક્રેનના રશિયન-નિયંત્રિત વિસ્તારોમાં જનમત સંગ્રહ માટે દબાણ કરી રહ્યા છે. યુદ્ધની આસપાસ સંકટ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિ ઝડપથી બગડી રહી છે, પરંતુ પ્રામાણિક સંવાદ અને સમાધાન મેળવવાને બદલે પશ્ચિમી દેશો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વાસ ઓછો કરી રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્રમાં નકારાત્મક વલણોને પ્રોત્સાહન આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે, અમેરિકા આખી દુનિયાને બદલવાની કોશિશ કરી રહ્યું છે અને તેના સહયોગીઓ સાથે મળીને તે દુનિયાના વિચારોથી અસહમત લોકો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. તેમના ગેરકાયદેસર અને એકપક્ષીય પ્રતિબંધો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન છે. આ પ્રતિબંધો ગરીબ દેશોના નાગરિકોને દવા, રસીઓ અને ખાદ્યપદાર્થોની આયાતને લક્ષ્ય બનાવીને નુકસાન પહોંચાડે છે.

નોંધનીય છે કે, અગાઉ સુધારા પર સંયુક્ત નિવેદનમાં ભારતે 31 અન્ય દેશો સાથે કહ્યું હતું કે, સુરક્ષા પરિષદને સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીમાં વિસ્તૃત કરવી જોઈએ. સંયુક્ત નિવેદનમાં હસ્તાક્ષર-કર્તાઓએ જણાવ્યું હતું કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રને સમકાલીન વિશ્વ વાસ્તવિકતાઓ સાથે સુસંગત બનાવવા માટે સુરક્ષા પરિષદમાં તાત્કાલિક અને વ્યાપક સુધારાની જરૂરિયાતને પુનઃપુષ્ટ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ /માધવી


 rajesh pande