ગોધરા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, કોરોના બાદ આસો નવરાત્રિને લઈને ભક્તોમાં પણ માતાજીના દર્શન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આજથી શરૂ થયેલા આસો નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, આસો નવરાત્રિ દરમ્યાન ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે ભક્તોને અગવડતા ઉભી ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે, ભક્તોના ધસારાને લઇ શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દવારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તા 26 સપ્ટે્બરથી એટલે કે પ્રથમ નોરતાથી મંદિરના દ્વારા સવારે 5 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમજ પાંચમ,આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વારા સવારે 4 વાગ્યે ખોલવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ભક્તોની મોટી સંખ્યાને ધ્યાને લઇ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે,જેમાં પાવાગઢ તળેટીથી માંચી સુધીના માર્ગ ઉપર તમામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સાથે પશુ તેમજ માલ સામગ્રી વહન કરતા વાહનો પણ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, યાત્રાળુઓને પાવાગઢ તળેટીથી માંચી લાવવાલઇ જવામાટે એસટી વિભાગ દ્વારા 40 થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે.બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે યાત્રાધામ પાવાગઢના તમામ રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી દ્વારા પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ પાવાગઢ ખાતે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો હતો ત્યારે આસો નવરાત્રિના પ્રથમ દિવસે 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. પાવાગઢ આવતા દર્શનાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને માં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષદ મહેરા