પોરબંદર,1 ફેબ્રુઆરી(હિ.સ) હાલ સોશીયલ મીડીયાનાં જમાનામાં ફોટા અને રીલ બનાવી સોશીયલ મીડીયાનાં અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર મુકવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આજનાં યુવાનો રીલ બનાવવા માટે ગમેતેવા અખતરા કરી લે છે. કેટલાંક કિસ્સાઓમાં યુવાનોએ જીવ પણ ગુમાવ્યા છે. પોરબંદરનાં બે યુવાનોએ લગ્નપ્રસંગ દરમ્યાન હથીયારનું લાયસન્સ ન હોવા છતાં અન્યનું હથીયાર લઈ અને લગ્નપ્રસંગે ફોટા પડાવતા પોલીસે બે શખ્સો સામે કાર્યવાહી કરી છે.પોરબંદરનાં ઓડદર ગામે રહેતા રમેશ ભીખાભાઈ છેલાણા નામનો યુવાન બળેજ ગામે લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમ્યાન તેમણે લાખાભાઈ ભીખાભાઈ છેલાણાનું લાયસન્સવાળુ હથીયાર બારબોર બંદુક લઈને ફોટા પડાવ્યા હતા.
આ ફોટા પોલીસની નજરે પડી ગયા હતા. રમેશ ભીખા છેલાણા પાસે હથીયારનું લાયસન્સ નહી હોવા છતાં લાખાભાઈ ભીખાભાઈ છેલાણાનું લાયસન્સવાળુ હથીયાર લઈ અને લગ્નપ્રસંગમાં લોકો વચ્ચે હથીયાર સાથે ફોટા પડાવ્યા હતાં. જેને લઈને એસ.ઓ.જી.નાં પી. એસ.આઈ. કિશનભાઈ ગોરાણીયાએ રમેશ ભીખા છેલાણા અને લાખા ભીખા છેલાણા સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં હથીયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાવ્યો છે. એ જ રીતે ઓડદર ગામે રહેતા દાસા ભીખા છેલાણા પાસે હથીયારનું લાયસન્સ ન હોવા છતાં મેસુર કાના કોડીયાતરે પોતાનું લાયસન્સવાળુ હથીયાર બારબોર બંદુક આપી લોકોની વચ્ચે ફોટા પડાવતા આ બન્ને શખ્સો વિરૂધ્ધ હથીયાર ધારા ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા