ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના નેતાઓ દુખી
ન્યુયોર્ક, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વભરના નેતાઓ ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી
ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના નેતાઓ દુખી


ન્યુયોર્ક, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વભરના નેતાઓ ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી દુઃખી છે. શોક વ્યક્ત કરવાની સાથે આ નેતાઓએ પીડિતો માટે પ્રાર્થના કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના પ્રમુખ ચાબા કોરોશી એ ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું. તેમની સંવેદનાઓ અને પ્રાર્થના પીડિતો સાથે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રેન દુર્ઘટના બાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંવેદના પાઠવી છે. તેમણે કહ્યું કે, તેમની સંવેદનાઓ એ લોકો સાથે છે, જેમણે આ જીવલેણ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, તે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરે છે. આ દુખની ઘડીમાં તેઓ ભારતના લોકોની સાથે હોવાનું ભારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે, યુરોપ ભારત સાથે શોકમાં છે. તુર્કીના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ નિવેદનમાં ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપવામાં આવી છે.

ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્વિટર પર લખ્યું કે, ભારતના ઓડિશામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની તસવીરોએ તેમનું દિલ તોડી નાખ્યું છે. મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં સમગ્ર કેનેડા ભારતની સાથે છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેમની સંવેદનાઓ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો સાથે છે. સમગ્ર જાપાન વતી આ દુર્ઘટના બદલ શોક વ્યક્ત કરતાં તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. ઈંગ્લેન્ડના વિદેશ સચિવ જેમ્સ ક્લેવર્લી એ દુર્ઘટના બાદ ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/સંજીવ/પવન / ડો. હિતેશ/હર્ષ શાહ


 rajesh pande