પર્યાવરણ પરમો ધર્મ'ના સુત્રને ચરિતાર્થ કરતા નવસારીના મનીષાબહેન શાહ
- પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ઓર્ગેનિક ખેતીનો ત્રિવેણી સંગમ એટલે ‘‘કિચન ગાર્ડન’’ - પ્લાસ્ટિક વેસ્ટમાંથી
kichen gardan nav


- પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ઓર્ગેનિક ખેતીનો ત્રિવેણી સંગમ એટલે ‘‘કિચન ગાર્ડન’’

- પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ઘર બેઠા પ્લાસ્ટીકના ગ્લાસ, નકામા ખાલી ડબલાઓ, ટીનના કેનમાં લીલા શાકભાજીનું વાવેતર.

- કોન્ક્રીટના ઘરો વચ્ચે ઘરના આંગણે લીલાછમ છોડવા અને શાકભાજીના વાવેતરથી ઘરમાં ઠંડક રહે છે

- ઘરની જગ્યાનો સદઉપયોગ કરી પાલક, રીંગણ , બીટ જેવા અનેક તરોતાજા શાકભાજી ઉગાડી ઓર્ગેનિક ફૂડ મેળવી પર્યાવરણના જતનમાં યોગદાન આપું છું : મનીષાબહેન શાહ (મ્યુઝીક ટીચર)

- નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારી સમયાંતરે કિચન ગાર્ડનની તાલીમ આપે છે

- ઘરના 1800 સેક્વેર ફૂટ માંથી 800 સેક્વેર ફૂટની જગ્યામાં 200 થી વધુ છોડવા અને ઝાડનું વાવેતર મનીષા બહેનએ ઓર્ગેનિક ઠબે કર્યું છે.

- હવે તંદુરસ્ત રસોઈની નવી વ્યાખ્યા અને શહેરી પરિવાર માટે શાકભાજીની ઓર્ગેનિક મીની ખેતી

નવસારી/અમદાવાદ,03 જૂન (હિ.સ) ઋતુ પ્રમાણેના સારા, સ્વાસ્થ્યવર્ધક અને જંતુમુક્ત શાકભાજી આપણા સૌની પસંદ હોય છે. પરંતુ શહેરમાં વસતા લોકો માટે તે સ્વપન છે, અને જો મળે તો પણ તે મોંઘા હોવાની સાથે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત હોવાની ખાતરી આપી શકતા નથી. માટે જ કિચન ગાર્ડનીંગ કે ટેરેસ ગાર્ડનીંગ કરી આપણા ઘર, એપાર્ટમેન્ટની બાલ્કની અને અગાસીનો સદુપયોગ આપણા પરિવારની શાકભાજીની જરૂરિયાત અને તંદુરસ્ત રસોડા માટે કરી શકાય છે. નવસારી શહેરના કબીલપોર ધર્મિનનગર ખાતે રહેતા મનીષા બહેન શાહએ પોતાના બંગલાની જગ્યાનો સદઉપયોગ કરી ગેલેરી અને બાલ્કની પર તૈયાર કરવામાં આવેલા કિચન ગાર્ડનમાં શાકભાજીના અવનવા છોડ તથા ફલાવરીંગ ઝાડ ઉગાડવામાં આવ્યા છે.

મનીષા બહેન શાહ જે મ્યુઝીક ટીચર છે અને બાળપણથી ગાર્ડનીગ અને ખેતીમાં રસ હોવાથી ઘરે બેઠા ઓર્ગેનિક લીલા શાકભાજી મેળવી શકાય તે માટેનો કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ઓર્ગેનિક ખેતીનો ત્રિવેણી સંગમસમા આ ગાર્ડનમાં ભીંડા, કોથમીર,મરચા ,પાલક,તુરિયા ,ગલકા , રોઝમેરી ,મેથી, રીંગણ , ફુદિનો જેવા અનેક લીલા શાકભાજી તેમજ રક્ત ચંદન , સાદું ,લીંબુ , મધુમાલતી ,બીલીપત્ર ,સેતુર,દાડમ તથા ફલાવરીંગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

‘પર્યાવરણ પરમો ધર્મ’ના સુત્રને વરેલા મનીષા બહેન શાહે જણાવ્યું હતું કે, કિચન ગાર્ડન શહેરમાં વસતા લોકો માટે એક નવો અને અનોખો પ્રયોગ છે. તે ઘરને જરૂરિયાત પૂરતા શાકભાજી આપવાની સાથે ઘરને સુશોભિત બનાવવાનુ કામ પણ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ઘર બેઠા પ્લાસ્ટીકના ગ્લાસ, નકામા ખાલી ડબલાઓ, ટીનના કેનમાં લીલા શાકભાજીના વાવેતર દ્વારા શુદ્ધ અને આરોગ્યપ્રદ શાકભાજી પ્રાપ્ત કરીને આરોગ્યની પણ કાળજી લઈ શકીશું. ઘરમાંથી નીકળતા લીલા કચરામાંથી ખાતરરૂપી કંચન તૈયાર કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે. શુધ્ધ હવાની સાથે તો મળે છે સાથે ઓર્ગેનિક શાકભાજીથકી આરોગ્ય પણ જળવાય રહે છે.

આ વેળાએ કિચન ગાર્ડનની વધુ વિગતો આપતા મનીષા બહેને કહ્યું કે, ઘરે બેઠા નકામા ડબ્બાઓમાં માટી, ખાતરની મદદથી પાલક, ધાણા જેવી અનેક ભાજી વાવીને ઓર્ગેનિક શાકભાજી ઉગાડીને આહારમાં ઉપયોગ કરી શકાય છે. કિચન ગાર્ડનમાં નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારી દ્વારા આપવામાં આવતી તાલીમએ મારા જ્ઞાનમાં વધારો કર્યો છે જેનો સીધો લાભ મને કિચન ગાર્ડનના વાવેતરમાં મળ્યો છે.

મનીષા બહેન આવનાર પર્યાવરણ દિવસને સંદર્ભે લોકોને અપીલ કરતા જણાવ્યું કે , ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જની સમસ્યાથી વિશ્વ ચિંતિત છે ત્યારે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને જ આવનારા પડકારોનો સામનો કરી શકીશું.આપણી પાસે શક્ય એટલી જગ્યાપર કિચન ગાર્ડન તથા ઝાડો ઉગાડવા જોઈએ. જેથી પર્યાવરણના જતનમાં આપણે ફાળો આપી શકીએ.

નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારી દ્વારા સમયાંતરે ટેરેસ ગાર્ડનની તાલીમ રાખવામાં આવે છે. હાલ નવસારી જીલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 400 થી વધુ લોકોએ અર્બન હોર્ટિકલ્ચર યોજના હેઠળ ટેરેસ અને કિચન ગાર્ડનની તાલીમ મેળવી શુદ્ધ અને સાત્વિક શાકભાજી મેળવી પર્યાવરણના જતનમાં યોગદાન આપી રહ્યા છે.

વૃક્ષો-જંગલોને બચાવવાની સાથે પોતાના મકાનની ટેરેસ કે બાલ્કનીમાં આપણે કિચન ગાર્ડન બનાવી પર્યાવરણના રક્ષણમાં પોતાનું નાનકડુ યોગદાન આપવાનો સંતોષ મેળવવા સાથે સાથે શુધ્ધ શાકભાજી દ્વારા સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરી નાણાની બચત પણ કરી શકીશું. આ ટેરેસ કીચન ગાર્ડનથી ઉનાળાના ધોમ ધખતા તાપ સામે પણ રક્ષણ મેળવી શકાશે.હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande