ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા 'અર્ક' વ્યાખ્યાનમાળા અંતર્ગત કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા 'અર્ક' વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી રવિવાર; તા. 24 નવેમ્બરે, સવારે 9:30 કલાકે ગાંધીનગરના ટાઉનહૉલમાં ગુજરાતના લોકપ્રિય અને સિદ્ધહસ્ત હાસ્યકાર સાંઈરામ દવે, વરિષ્ઠ લેખક-સાહિત્યકાર સુભાષ ભટ્ટ અન
ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે


ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા 'અર્ક' વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી રવિવાર; તા. 24 નવેમ્બરે, સવારે 9:30 કલાકે ગાંધીનગરના ટાઉનહૉલમાં ગુજરાતના લોકપ્રિય અને સિદ્ધહસ્ત હાસ્યકાર સાંઈરામ દવે, વરિષ્ઠ લેખક-સાહિત્યકાર સુભાષ ભટ્ટ અને જાણીતા લેખક-ચિંતક-વક્તા ડૉ. નિમિત્ત ઓઝાના વક્તવ્યનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. આ વક્તાઓ 'જીવન મને ગમે છે' વિષય પર વક્તવ્ય આપશે.

ગાંધીનગરના નાગરિકો માટે 'અર્ક' વ્યાખ્યાનમાળાની શૃંખલામાં આગામી રવિવારે યોજનાર વ્યાખ્યાનમાં જાણીતા હાસ્યકાર-લેખક સાંઈરામ દવે પોતાની રસાળ અને હસાળ શૈલીમાં વક્તવ્ય આપશે. ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત આ કલાકારને સાંભળવા એ લ્હાવો છે. વક્તા સુભાષ ભટ્ટ સુફીનો આત્મા, જીબ્રાનનું મસ્તિષ્ક, રૂમિનું હૃદય, ઓશોની આંખો, ટાગોરનું સૌંદર્ય અને ગાંધીજીની સાદગી સાથે જીવતા નખશિખ શિક્ષક છે. રગેરગમાં ગહન શાંતિથી છલોછલ ભાવનગરના સુભાષ ભટ્ટ ગાંધીનગરના શ્રોતાઓ માટે અને અનેરું આકર્ષણ છે. જાણીતા લેખક-વક્તા અને ચિંતક ડૉ. નિમિત્ત ઓઝા વ્યવસાયે યુરોલોજીસ્ટ છે, પણ લોકોના મન અને મસ્તિષ્કને તંદુરસ્ત કેમ રાખવા તેની ઊંડી સમજણ તેમને છે. લોકપ્રિય કોલમિસ્ટ અને ચિંતક ડૉ. નિમિત્ત ઓઝા યુવાનોમાં પ્રિય અને મહિલા વાચકોમાં અતિપ્રિય પ્રિય લેખક અને વક્તા છે. આવા ત્રણ સિદ્ધહસ્ત મહાનુભાવોને મળવા અને માણવા ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી સૌને જાહેર આમંત્રણ પાઠવેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande