પાટણ, 23 નવેમ્બર (હિ.સ.). પાટણના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ પર ફી રેગ્યુલેશન કમિટીના નિયમો કરતા વધુ ફી ઉઘરાવવાના આક્ષેપો થયા છે. વાલીઓ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદારોએ સ્કૂલની સામે ધરણા યોજીને વિરોધ વ્યક્ત કર્યો. વાલીઓએ સ્કૂલ પર 1.80 લાખ રૂપિયાની ફી ઉઘરાવવા અને પાવતી વિના રકમ લેવાની ફરિયાદ કરી છે. પાવતીમાં સહી-મુહર ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
ધરણા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીએ આક્ષેપોને ફગાવતા વાલીને ખોટા આક્ષેપો કરવાના આરોપ સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. તેઓના જણાવ્યા અનુસાર, સ્કૂલ દ્વારા ફી નિયમોનું પાલન કરવામાં આવે છે અને પાવતી બે દિવસમાં વાલીને આપવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યા કે, ફરિયાદી વ્યક્તિ સ્કૂલના સ્ટાફને ધમકી આપે છે અને હેરાનગતિ કરે છે. આ મામલે વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર