-સપ્તાહ દરમિયાન પ્રાકૃતિક ખેતી જન-જાગૃતિ અભિયાન તથા પી.એમ.કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશને આવરી લેવાયું
રાજપીપલા, 23 નવેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લાના ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો નહિવત ઉપયોગ કરી દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત અને બીજામૃત ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે નર્મદા આત્મા પ્રોજેક્ટ અને બાગયત વિભાગના સહયોગથી સ્થાનિક ખેડૂતોને ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમમાં ખાસ કરીને રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. તદ્દ-ઉપરાંત “આપણું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત” અંતર્ગત પ્રાકૃતિક ખેતી જન-જાગૃતિ અભિયાન તથા પી.એમ.કિસાન યોજનામાં ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશને પણ આવરી લેવામાં આવ્યુ હતું. આ સપ્તાહ દરમિયાન ગરૂડેશ્વર તાલુકાના વવિયાલા, ખડગદા, મોટી-રાવલ, ભીલવશી, મોટાઆબા, પંચલા, તિલકવાડા તાલુકાના સાવલી, ચૂટેશ્વર, તિલકવાડા, ઝરવાણી, રતુડીયા, શીરા, નાંદોદ તાલુકાના કોઠાર, નવાપરા, ધોળીવાવ, રીંગની, રાજુવાડીયા, સિસોદરા, કાંદરોજ, સાગબારા તાલુકાના કાકરપાડા, પાટ, મોરાવી, જાવલી, અમિયાર, પલાસવાડા, દેડિયાપાડા તાલુકાના માલ-સામોટ ગામે ખાસ તાલીમબધ્ધ થયેલા પ્રાકૃતિક કૃષિના ટેકનિકલ અને ફાર્મર માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પુરૂષ અને મહિલા ખેડૂતમિત્રો જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય