રાજપીપલા, 23 નવેમ્બર (હિ.સ.). નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.કે. ઉંધાડના માર્ગદર્શન અને ડિઝાસ્ટર મામલતદાર શ્રી આઈ. એમ. સૈયદના નેતૃત્વમાં રાજપીપલા જનરલ હોસ્પિટલ અને GMERS મેડિકલ કોલેજના કેમ્પસમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ યોજાઈ હતી. જ્યાં આકસ્મિક રીતે આગની ઘટનામાં કેવી રીતે નિર્ણય લેવા તેમજ ફાયર સેફ્ટીના સાધનોના વપરાશ અંગે આરોગ્ય કર્મીઓને તાલીમ આપવામાં આવી હતી.
આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કર્મીઓ દ્વારા ડોકટર, આરોગ્ય કર્મીઓ, વિદ્યાર્થીઓને અગ્નિશામક વ્યવસ્થાનો ઉપયોગ કરવા, આગ લાગવાના કારણો, આગ લાગે ત્યારે કેવા નિર્ણયો લેવા, ક્લાસિફિકેશન ઓફ ફાયર અંગે વિસ્તારપૂર્વક સમજણ પુરી પાડવામાં આવી હતી. ઉપરાંત ફાયર સેફ્ટીનું ડેમોસ્ટ્રેશન કરીને આગ સામે સાવચેતીના પગલાં વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય